
રિપોર્ટર પંકજ પંડિત ઝાલોદ
જન્મદિવસની ઉજવણી કેક કાપવા પૂરતી સીમિત ન રાખી સમાજસેવા અને સંવેદનાનો અનોખો સંદેશ આપતા નીલમ એમ. વસૈયા (નીલુ જોહર)એ પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરી હતી.
જન્મદિવસના દિવસે નીલમ એમ. વસૈયાએ પરિવારના દેવતા ઝાલાઈ માતા અને ઝાલા દાદાના દર્શન કરી નમન સાથે દિવસની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઝાલોદની વિવિધ સરકારી શાળાઓ તથા સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ બાળકો, મહિલાઓ અને જરૂરિયાતમંદો સાથે જન્મદિવસની ખુશીઓ વહેંચી હતી.
ચિત્રોડિયામાં વર્ષોથી બાળકો માટે સેવા જોહર વર્ગ ચલાવતા રિંકેશભાઈના ઘરે જઈ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. આ દરમિયાન બાળકોને નોટબુક, પેન્સિલ કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ઝાલોદ સરકારી હોસ્પિટલની મુલાકાત દરમિયાન પ્રસૂતિ માટે દાખલ મહિલાઓને ફળો અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ સાથે મુલાકાત કરી દર્દીઓ તથા સ્ટાફને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઝાલોદ આઈપી મિશન પ્રાથમિક શાળા, ઝાલોદ કુમાર શાળા, ધાવડિયા, બમ્બેલા, મહુડી, ખરશાણા, ચિત્રોડિયા અને વેલપુરા સહિતની સરકારી શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. શાળાઓમાં બાળકો સાથે સમય વિતાવી તેમને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વડના રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
નીલમ એમ. વસૈયાએ જણાવ્યું હતું કે, જન્મદિવસ માત્ર કેક કાપવાનો અને શુભેચ્છાઓ મેળવવાનો દિવસ નથી. કોઈ બાળકના હાથમાં શિક્ષણ સામગ્રી પહોંચે, જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત આવે અને પૃથ્વી પર એક નવો છોડ વાવવામાં આવે, તે જ તેમના માટે જન્મદિવસની સાચી ખુશી છે.
આ સમગ્ર સેવાકીય ઉજવણી દ્વારા ‘સેવા, શિક્ષણ, સંવેદના અને પ્રકૃતિ’ નો સંદેશ આપવામાં આવ્યો હતો.












