Sindhu Uday Today

News Website

૧૦૮ દિવડાની મહાઆરતી, ભવ્ય આતશબાજી અને દેશના બહાદુર પાયલોટના સન્માનમાં અનોખી વેશભૂષાએ આઠમા નોરતાને બનાવ્યો યાદગાર

૧૦૮ દિવડાની મહાઆરતી, ભવ્ય આતશબાજી અને દેશના બહાદુર પાયલોટના સન્માનમાં અનોખી વેશભૂષાએ આઠમા નોરતાને બનાવ્યો યાદગાર
Views: 33
0 0

Read Time:6 Minute, 49 Second
૧૦૮ દિવડાની મહાઆરતી, ભવ્ય આતશબાજી અને દેશના બહાદુર પાયલોટના સન્માનમાં અનોખી વેશભૂષાએ આઠમા નોરતાને બનાવ્યો યાદગાર

ઝાલોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડના ગરબામાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની ખાસ ઉપસ્થિતિ

પંકજ પંડિત / ઝાલોદ

ઝાલોદ નગરમાં નવરાત્રી પર્વ નિમિત્તે પોલીસ સ્ટેશન સામે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલા ગરબામાં આઠમા નોરતે ભક્તિ, દેશપ્રેમ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ ગરબા મહોત્સવની મુલાકાત લઈ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમના આગમનને ભવ્ય આતશબાજી સાથે આવકારવામાં આવ્યું હતું, જ્યારે પાઘડી પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે ૧૦૮ દિવડાની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા, દાહોદ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ શંકર અમલીયાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લઈ માતાજીની આરાધના કરી હતી.

૧૦૮ દિવડાની મહાઆરતીથી ભક્તિમય બન્યું વાતાવરણ

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી મહાઆરતી દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો અને ખેલૈયાઓએ માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ ગરબાના આયોજનની સરાહના કરી હતી અને ઝાલોદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાતા આ સુંદર આયોજનથી પ્રભાવિત થયા હતા. ડી.વાય.એસ.પી. ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાતા ગરબા મહોત્સવની તેમણે પ્રશંસા કરી હતી.

દેશના બહાદુર પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં અનોખી પાઘડી

આઠમા નોરતે યોજાયેલી વેશભૂષામાં દાહોદના મારુતિ સોની અને તેમની દીકરી પાયલ સોની ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. દેશના બહાદુર પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરની હિંમતને બિરદાવવા બંનેએ વિશાળ પાઘડી ધારણ કરી હતી. મારુતિ સોનીએ અંદાજે ૮ કિલો વજનની, જ્યારે તેમની દીકરી પાયલ સોનીએ અંદાજે ૨ કિલો વજનની પાઘડી પહેરી હતી.
દુબઈની ફ્લાઇટમાં પાયલોટ પર હુમલાની ઘટના દરમિયાન ગુજરાતના પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરે હિંમત અને સૂઝબૂઝ દાખવી ફ્લાઇટનું સફળ લેન્ડિંગ કરાવી ૧૭૪ મુસાફરોના જીવ બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની બહાદુરીને અનોખી રીતે બિરદાવતી આ વેશભૂષાએ દેશપ્રેમની ભાવના જગાવી હતી. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ મારુતિ સોની દ્વારા રજૂ કરાયેલી આ ઝાંખીની સરાહના કરી હતી.

૨૫ જેટલાં બાળકોએ વેશભૂષામાં ભાગ લીધો

આઠમા નોરતે નગરના આશરે ૨૫ બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી ભાગ લીધો હતો. અલગ-અલગ પાત્રો અને આકર્ષક વેશભૂષામાં સજ્જ બાળકોને જોવા માટે ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ડી.વાય.એસ.પી. ડી.આર. પટેલે તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહક ઇનામ આપ્યાં હતાં. સાથે જ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકોને વિશેષ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

દાહોદ અસ્મિતા પરિવારનો જનજાગૃતિનો અનોખો પ્રયાસ

ગરબા મહોત્સવમાં દાહોદ અસ્મિતા પરિવારના સભ્યોએ એકસરખાં કેડિયાં પહેરીને આકર્ષક અંદાજમાં ગરબા રમ્યા હતા. તેમની વિશેષતા માત્ર પરંપરાગત વેશભૂષા પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ તેમણે સામાજિક જાગૃતિનો સંદેશ પણ આપ્યો હતો.
પરિવારના સભ્યો સાયબર ફ્રોડ અને દારૂ પીને વાહન ચલાવવા જેવી ગંભીર સમસ્યાઓ અંગેના બેનર-પોસ્ટર સાથે ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રીના ઉત્સવને જનજાગૃતિનું માધ્યમ બનાવી લોકોને સાવચેત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અનોખા પ્રયાસને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યો હતો, જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ પણ દાહોદ અસ્મિતા પરિવારની પહેલની સરાહના કરી હતી.

ખેલૈયાઓને લ્હાણી, પંકજ અગ્રવાલનું યોગદાન

ગરબા મહોત્સવ દરમિયાન ગરબે ઘૂમતી બાળાઓને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના હસ્તે લ્હાણી આપવામાં આવી હતી. આઠમા નોરતાની લ્હાણી પંકજ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી. બાળાઓમાં લ્હાણી મેળવવા સાથે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

વિશાળ માનવમહેરામણ વચ્ચે ગરબાની રમઝટ

ઝાલોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાતા ગરબામાં દરરોજ મોટી સંખ્યામાં નગરજનો, આસપાસના વિસ્તારના લોકો અને ખેલૈયાઓ ઉમટી રહ્યા છે. આઠમા નોરતે પણ ભક્તિભાવ સાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓ અને ગરબા નિહાળવા આવેલા લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
ધાર્મિક શ્રદ્ધા, પરંપરાગત વેશભૂષા, દેશના બહાદુર પાયલોટ પ્રત્યે સન્માન અને સામાજિક જનજાગૃતિના સંદેશ સાથે ઝાલોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડનો આઠમનો ગરબા મહોત્સવ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પોલીસ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાતા આ આયોજનમાં સુરક્ષા અને શિસ્ત સાથે નવરાત્રીની ઉજવણીનો સુંદર માહોલ જોવા મળ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *