
કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે વિવિધ શાખાઓની મુલાકાત લઈ સ્વચ્છતા અને નાગરિક સુવિધા વધારવા માર્ગદર્શન આપ્યું
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમજ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ખેડા જિલ્લાની મહેસૂલી કચેરીઓમાં સ્વચ્છતા સેવા અભિયાન હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં કચેરીઓની ભૌતિક સફાઈની સાથે બિનઉપયોગી જૂના ફર્નિચર અને સાધનસામગ્રીનો નિકાલ, રેકર્ડનું વર્ગીકરણ, રેકર્ડ નાશ તથા પડતર પેરાઓના નિકાલની કામગીરી કરવામાં આવી હતી.
નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે કલેક્ટર કચેરીના વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાત લઈને સ્વચ્છતા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત નાગરિકો અને અરજદારોને કચેરીમાં વધુ સારી સુવિધા મળી રહે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
કલેક્ટરે કલેક્ટર કચેરીના કેમ્પસમાં આવેલી ડિઝાસ્ટર શાખા, રેકર્ડ શાખા, નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીઓ, ઈ-ધરા કેન્દ્ર તથા જનસેવા કેન્દ્ર સહિતની કચેરીઓની મુલાકાત લીધી હતી. આ તમામ વિભાગોમાં સફાઈ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો અને બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાન પૂર્વે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની આગેવાની હેઠળ કચેરીના પટાંગણમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદારો, ડેપ્યુટી મામલતદારો સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.
આ પ્રસંગે કલેક્ટર એન.વી. ઉપાધ્યાય તથા અન્ય અધિકારીઓ દ્વારા કચેરીના આશરે ૧૫ સફાઈ કર્મચારીઓને મીઠાઈ અર્પણ કરીને તેમના કાર્ય પ્રત્યે સન્માન વ્યક્ત કરવામાં આવ્યું હતું. સમગ્ર અભિયાન દ્વારા સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા, બિનઉપયોગી સામગ્રીનો નિકાલ કરવા અને નાગરિકલક્ષી સેવાઓને વધુ સુગમ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અધિક કલેક્ટર જે.બી. દેસાઈ, એડિશનલ કલેક્ટર વિમલ બારોટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.











