
રમકડાના બોક્સ ભરેલ કાર્ટુનોની આડમાં લઈ જવાતા રૂપિયા 50.79 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક પકડી
મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે કતવારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસે શંકાસ્પદ જણાતી રાજસ્થાન પાસીંગની બંધ બોડીની leyland ટ્રક રોકી તલાસી લઈ ટ્રકમાં ભરેલ રમકડાના બોક્સના કાર્ટૂનોની નીચેથી રૂપિયા 50,79.096/- ની કુલ કિંમતની વિદેશી દારૂની પેટીઓ નંગ-529 પકડી પાડી ટ્રકના ચાલકની અટકાયત કરી તેની પાસેથી એક મોબાઇલ ફોન પકડી પાડી સાથે સાથે રૂપિયા 2,80,000/- ની કિંમતના રમકડાના બોક્સ તેમજ ટ્રક મળી રૂપિયા 73,64,096/- નો મુદ્દા માલ કબજે લીધાનું પોલીસ સુત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે સવારના કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એમ ગાવીત, પીએસઆઇ એકે કુવાડીયા, એ.એસ.આઇ અલ્તાફ ખાન બસીર ખાન, ઈશ્વરભાઈ ભગાભાઈ તથા સ્ટાફના અન્ય પોલીસ કર્મીઓની ટીમ પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ ગુજરાત અને મધ્યપ્રદેશ ની સરહદને જોડતી ખંગેલા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. એ દરમિયાન બપોરના દોઢથી બે વાગ્યાના અરસામા મધ્યપ્રદેશ તરફથી આવેલ રાજસ્થાન પાર્સિંગની આરજે 32 જીડી 53 92 નંબરની અશોક લેલેન્ડ કંપનીની ટ્રક વાહન ચેકિંગ કરી રહેલ કતવારા પોલીસની ટીમને શંકાસ્પદ જણાતા પોલીસે હાથનો ઈશારો કરી તે ટ્રકને ચેકપોસ્ટ પર રોડની સાઈડમાં ઉભી રખાવી હતી . ત્યારબાદ તે ટ્રકના ડ્રાઇવરને ટ્રકમાં શું ભરેલ છે તે બાબતે પૂછતા ટ્રકના ચાલકે ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તે બંધ બોડી ની ટ્રકનો પાછળનો દરવાજો ખોલાવી જોતા ટ્રકમાં પાછળ તેમજ આગળના ભાગે ખાખી કલરના રમકડા ભરેલ બોક્સના કારટુનો નજરે પડ્યા હતા તે બોક્સ હટાવી જોતા તેના નીચે વિદેશી દારૂની પેટીઓ નજરે પડતા પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે સદર ટ્રકમાંથી રૂપિયા 50,79,096/- કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ ની પેટીઓ નંગ -529 મા ભરેલ કુલ બોટલ તથા ટીન નંગ- 18768 પકડી પાડી ટ્રકના ચાલક રાજસ્થાનના અલવર જિલ્લાના નસવારી ગામના સરદાર મહોલ્લા માં રહેતા કપિલભાઈ અરુણચંદ રાજપૂતની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા 5000/- ની કિંમત નો મોબાઇલ ફોન પકડી પાડી ટ્રકમાંથી રૂપિયા 2,80,000/- ની કુલ કિંમતના રમકડા ભરેલ બોક્સ કાર્ટૂન નંગ-280 પકડી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરીમા ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 20 લાખની કિંમતની અશોક લેલેન્ડ ટ્રક મળી કુલ રૂપિયા 73,64,9 06/- નો મુદ્દામાલ કબજે લઈ સદર દારૂનો જથ્થો ટ્રકમાં ક્યાંથી ભરાવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો? તે બાબતે સઘન પૂછપરછ હાથ ધરી આ મામલે પકડાયેલ ટ્રકનાચાલક વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો નોંધી આગળની કાર્ય વાહી હાથ ધરી છે.












